બનાસકાંઠા અતિભારે વરસાદ
0
August 24, 2022
આગામી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના ડિરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા અને દાહોદમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે."
ગુજરાતમાં પડેલો વરસાદ : ગુજરાતમાં પડેલા વરસાદની વિગત જોઈએ તો કચ્છમાં અત્યારસુધી સિઝનનો સરેરાશ 151.94 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 98.94 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 81.10 ટકા, સૌરાષ્ટ્રમાં 88.81 ટકા, દક્ષિણ ગુજરાતમાં 108.15 ટકા વરસાદ પડ્યો છે. અત્યારસુધી ગુજરાતમાં સરેરાશ 98.13 ટકા વરસાદ વરસી ગયો છે છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 96 તાલુકામાં વરસાદ પડ્યો છે. બીજી રીતે જોઈએ તો છેલ્લા 24 કલાકમાં આઠ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. બીજી તરફ કોઈ પણ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો નથી.
મંગળવારે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. આજે સવારે 6થી 12 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં 92 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણામાં ત્રણ ઇંચ ખાબક્યો છે.
કડાણા ડેમમાં પાણીની આવક : કડાણા ડેમમાં પાણીની આવક વધી છે. જેના પગલે ડેમના 10 દરવાજા 6 ફૂટ સુધી ખોલી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે. ઉપરવાસના બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડેમમાં પાણીની આવક વધી છે. હાલ રાજેસ્થાનના બજાજ સાગર ડેમમાંથી 1,63,000 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. જે બાદમાં ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે પાણી છોડવાની ફરજ પડી છે. કડાણા ડેમમાંથી બે લાખ કયુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યુ છે. જેના પગલે નદી બે કાંઠે વહી રહી છે.

