16 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
0
August 14, 2022
16 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, કચ્છ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 84 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 133 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે ચાલુ સિઝનમાં રાજ્યમાં સામન્ય કરતાં વધુ વરસાદની સંભાવના દર્શાવી હતી. જે સાચી ઠરે તો નવાઈ નહીં. કારણ કે હજુ પણ વરસાદનો એક મહિનો બાકી છે.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજે (રવિવારે) બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 15 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જળાશયો ઓવરફ્લો થયા છે. ત્યારે આણંદમાં સાબરમતીમાં પાણી છોડાયા હોવાથી તારાપુરના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. આણંદમાં વાસણા બેરેજમાંથી 1957 ક્યુસેક પાણી છોડાતા નદી કાંઠે પશુ ચરાવવા ન જવાની સૂચના આપવામાં આવી છે. આણંદના તલાટીઓને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.
મેઘરાજાએ (Monsoon 2022) સમગ્ર ગુજરાતમાં જમાવટ કરેલી છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં (Ambaji) પણ સારો એવો વરસાદ (Rain) વરસી રહ્યો છે. વરસાદી વાતાવરણમાં યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર આહલાદક વાતાવરણ પણ જોવા મળી રહ્યુ છે. જો કે વરસાદી વાતાવરણ વચ્ચે અંબાજી ગબ્બર પર પ્રાકૃતિક વાતાવરણ તો જોવા મળી રહ્યુ છે પણ બીજી બાજુ ગબ્બર ચઢવાનો માર્ગ ધોવાયો છે.

